Picture by- KirtiDev


                     ટીન એજ એટલે અણધાર્યું વાવજોડું! બોસ કઈ નક્કી ન કહેવાય ક્યારે વરસે'ને ક્યારે સાફ કરી નાખે. જિંદગીનો એવો સમય છે આ જ્યાં માણશની નક્કર માન્યતાઓનો પાયો સ્થપાય છે. "આવું કરવું છે... પેલું મેળવવું છે...'ને આવુ હશે'ને તેવું હશે..." વગેરે વગેરે વગેરે વગેરે. તરુણાવસ્થામાં આવેલો છોકરો કે છોકરીમાં તેના માથાના વાળ કરતા પણ વધારે ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ મનમાં હોય છે. કેટલાક કલ્પિત ભૌતિક સુખો અને દેખાડો કરવાના પ્લાનિંગ-પ્લોટિંગ મગજમાં ઘડાવા લાગે. નતનવા કુદકા મારશે, જાત-જાતના નખરાં કરશે, એવી એવી હરકતો હોય 'ને એવું ઘણું બધુ કરે પણ મળે શું ઠેંગો!

                     "મારી પાક્કી બહેનપણી, મારો ભાઈબંધ મારો ભાઈ... તારા સિવાય કોઈ સમજતું નથી મને." એવું બધુ એકબીજાને કહે. એ ઉંમરની મિત્રતા જ કૈંક અલગ લેવલ ઉપર હોય છે યાર. તમે તમારો તરુણકાળ યાદ કરી જુઓ. કેવા વચનો આપ્યા હતા એ સમયના તમારા ભાઈબંધ/બહેનપણીને ? "આખી જિંદગી આપણે જોડે રહીશુ... તુ જ મારી પાક્કી બહેનપણી/ભાઈબંધ રહીશ. સાથે-સાથે રહીશું, ફયુચરમાં જોડે મકાન બનાવશુ... મારા બંગલાની સામે તારો બંગલો હશે..." કલ્પનાને પુરતુ આકાશ આપી દેવામાં આવે છે.

                     ઘણા છોકરાઓ એથીય આગળ વિચારે: "તુ જોજે ખાલી તારા બંગલાની સામે મારો મોટો બંગલો હશે, હું છે ને ગેલેરીમાં ચા પીતો હઇશ... મારી ઘરવાળી કઇંક સાફ-સફાઈ કરતી હશે.., તુ સામે તારી ગેલેરીમાં છાપુ વાંચતો હઇશ...તારી ઘરવાળી ચા લઈને તારી પાછળ ઊભી હશે..." આવુ બધુ વિચારે. એ ઉંમરમાં એટલું ન વિચારી શકે કે યાર આટલો મોટો બંગલો છે તો એકાદી કામવાળી રાખી લઉ પણ નહીં પત્ની જ ચા લઈને ઊભી રહેવી જોઈએ. એમાં એમનો કોઈ દોષ નથી. પહેલેથી જ એમને ઘરમાં આવુ જોયું હોય કે મમ્મી બધા કામ કરે છે માટે મારી પત્ની પણ કરશે... એટલે એવું વિચારવુ સ્વાભાવિક છે. (માટે આમાં GENDER DISCRIMINATIONના ઘુસાડતા PLS!!!)

                     પાછા કેટલાક મહત્વકાંક્ષીઓ તો જબરું વિચારે: "બે તુ જોજેને બકા આપડે બી પૈસાવાળા થઈ જઈશું! હું છે ને આમ, BMW લઈને આવીશ. મારા હાથમાં ROLEXની ઘડિયાળ હશે અને તુ તારી ગરીબ ઝૂંપડીમાંથી બ્હાર આવીશ, તે છે ને ઇલાસ્ટિકવાળા પેન્ટનો ચડડો પહેર્યો હશે અને લાંબા ઘઘા જેવો શર્ટ પહેર્યો હશે 'ને વાળ સાવ ઝીણાં-ઝીણાં અને તુ સુકલકડી દેખાતો હઇશ. તુ મને જોઈને દોડતો-દોડતો આવીશ 'ને મારા બોડીગાર્ડ તને રોકી દેશે. પછી હું ખીચામાંથી પૈસાનું બંડલ હવામાં ઉડાવીશ અને પછી તને કહીશ: "જા... ઐશ કર...!!!" એનો બીજો જે ભાઈબંધ આ બધુ સાંભળતો હોય ને એ પેલાની કરતા સારા ખાતા-પીતા ઘરનો હોય પણ આ બધુ સાંભળીને એને મનમાં થાય કે "આ બોવ રૂપિયા કમાશે, આ જીવનમાં કૈંક મોટું કરશે. એનો આત્મવિશ્વાસ જોઈને પોતે નક્કી કરી નાખે કે આપણે કઇ કામ-ધંધો કરીશું નહીં. આ જ આપણને  આખી જિંદગી મૌજ કરાવશે."

                     તે પછીના ૫ વર્ષ પછી એ જ બે મિત્રો સાઇબર કાફે કે એવી કોઈ જગ્યાએ મળેને ત્યારે એમની વચ્ચે થતી વાતચીત સાંભળવા જેવી હોય. અચાનક એકબીજાને જોશે એટલે બંને સાથે બોલશે: "અરે મિત્ર(જે મિત્રનું નામ હોય તે) બોલશે, તુ !!! અહીં શું કરે છે?" એ પછી પણ બન્ને સાથે જ બોલે: "અરે પેલું ઓજસમાં ભરતી બ્હાર પડી છે'ને એટલે ફોર્મ ભરવા આવ્યો છું...!!!" લો બોલો, BMWમાં ફરવાની વાતો કરવાવાળા અહીં સરકારી નોકરીના ફોર્મ ભરવા આવ્યા છે. આમને કેમનું પહોંચવું યાર?

                     ટીન-એજમાં પાછું પેલુ હાર્મોનિયમ ચેન્જ થાય. ઉપ્સ! સોરી અંગ્રેજી ઈજ વેરી ફની લેન્ગ્વેજ. 'હોર્મોન્સ' ચેન્જ થાય. છોકરીઓના બાયોલોજિકલ ચેન્જીસના કારણે શારીરિક પીડા થાય, એ સ્વાભાવિક છે અને એના કારણે મૂડ સ્વિંગ થયા કરે પણ આમાં દાવ શું થાય ખબર છે? જે સાંજે તે હેલ્થી મૂડમાં હતી, ખુશ હતી, એ રાત્રે તેના પિરિયડસ(માસિક) ચાલુ થઈ ગયા માટે સવારે મૂડ ખરાબ થવાનો જ છે એટલે સામાન્ય રીતે કોઈને બોલાવવાની/વાત કરવાની ઈચ્છા ન થાય અને દરેક છોકરી સાથે ટીન એજમાં એકવાર તો એવું બન્યું જ હોય મૂડ ખરાબ હોય અને અણગમતી વસ્તુ,વ્યક્તિ કે પરિસ્થિતિનો સામનો કરવાનો આવે. પછી જે કોઈપણ સામે આવે એનો વારો પડી જાય.

                     ટયુસનમાં આવો એક સીન બન્યો જ હોય કે કોઈક છોકરા સાથે માથાકૂટ થાય અને જોરદાર બબાલ થાય. એવા જાની દુશ્મન બની જાય ને એકબીજાના કે મનોમન નક્કી કરી નાખે કે  જિંદગીમાં કદી લગ્ન નહી કરે. એ છોકરાના ભાઈબંધો એવો ચિડાવેને બિચારાને: "ઓહો...ઓપોઝિટ અટ્રેકશન...એ જો બભી આવ્યા!!!... ભાભી શું કરે?" એવું બધુ કહીને બોવ ખીજવે. એ છોકરો બ્હાર તો બોવ ગુસ્સો કરે પણ મનોમન તો મલકાય. એ પછીના ત્રણ-ચાર વર્ષ બાદ કોલેજમાં અથવા ઇન્ટરનેટ પર કે રિયુનિયનમાં ભેગા થયા હોય ને પછી મિત્રો બને અને પછી બોયફ્રેંડ-ગર્લફ્રેંડ બને અને લવલા-લવલી કરે... બોલો હવે આમને કેમનું પોહચવું?

                     છોકરીઓની સાથે ટીન-એજમાં એકવાર એવું ચોક્કસ થયું હોય કે મૂડ ખરાબ હોય એટલે કોઈને બોલવાની ઈચ્છા ન થાય. સ્કૂલમાં એવું બને. એની બધી બહેનપણીઓ સ્કૂલમાં ઊભી હોય અને એમની સામેથી તે પસાર થાય. કોઈને તેણે બોલાવી નથી. એટલે એની બહેનપણીઓ વાતો કરે એની: "જો ને કેટલો એટીટ્યુડ બતાવે છે નહીં?, જવા દે ને એને, એતો એવી જ છે, નવાઈની મોટી હિરોઈન બને છે તે...છોડ આપણે શું?" વગેરે વગેરે વગેરે વગેરે. પણ એ છોકરીઓ ઉંમર અને પરિપક્વતા ઓછી હોવાના કારણે નથી સમજી શકતી કે એ શું અનુભવે છે, કેમ એવું એ વર્તન કરે છે...? હશે હવે, એક સ્ત્રી બીજી સ્ત્રીને નથી સમજી શકતી, આપણે પણ શું કરી શકીએ?...

                     ...અને એ જ બે બહેનપનીઓ ૧૫ વર્ષ પછી પોતાના લંબાકાર મોટી કાયા ધરાવતા પતિદેવ સાથે કોઈ પાર્ટી, લગ્ન કે ફંકશનમાં ગઈ હોય, કેડમાં એકડું ટેણિયું ભરાયું હોય 'ને અચાનક એકબીજાને મળી જાય. પછી ઔપચારિક વાતો ચાલુ: "તારો હસબન્ડ આમ કરે, મારો હસબન્ડ આમ કરે...તમે આવ કર્યું અમે આવું કર્યું... વગેરે વગેરે વગેરે વગેરે. જેટલી વાતો કરે ને એ બધામાં  બન્ને જણીઓ એકબીજામાં અદેખાઈ જ શોધતી હોય. કોઈક પોઈન્ટ શોધી કાઢે'ને પેલીના વર્તનને જજ કરી નાખે: (કૃત્રિમ હાસ્ય સાથે)"આ તો પહેલેથી આવી જ છે, બિલકુલ ન બદલાઈ." (એ ન બદલાઈનો મનોઅર્થ જો એમને પૂછીએ ને તો જવાબ 'જડ જેવી' એવો જ મળી શકે છે.) બોલો હવે, આમને કોણ પહોંચે?

                     છોકરો હોય કે છોકરી પોતાની સરખી ઉંમરનાની સાથે આકર્ષણ થાય તો ઠીક છે. કેટલાક તો ૪૦-૪૫ વર્ષના કાકા અથવા કાકીથી પણ આકર્ષાય અને ૧૦-૧૨ વર્ષના બાબલા-બેબલીથી પણ આકર્ષાય પરંતુ અસમતુલ ઉંમર સાથેનું આકર્ષણ જાજુ નથી ટકતું કારણ કે ક્લાસમાં હોયને કોઈક કાજોલ અથવા શાહરુખ જેને જોઈને દિલમાં કુછ કુછ હોતા હૈ થાય. આવું બીજું ઘણું બધુ આ ટીન-એજમાં થાય છે. કેટલાક સ્વાભાવિક અને વિશિષ્ટ વર્તનો કરવા પાછળના કારણ એ છે કે: "બધા કરે છે તો હું કેમ ના કરું?", "મારૂ બધા કરતા જોરદાર જ હોવું જોઈએ!", "એની પાસે છે તો મારી પાસે પણ હોવું જોઈએ."

                     આહાહાહાહા...!!! તરુણાવસ્થા તો તરુણાવસ્થા હતી બોસ! જુવાનિયાઓ હોય કે, અંકલ-આંટીઓ હોય કે પછી વૃદ્ધ માણશ હોય આ ટીન-એજ કાળ વીતી ગયા પછી આ સમય પાછો જરૂર માંગતા હોય છે પણ થાય શું? બીત ગયા વો કલ. તરુણાવસ્થા જિંદગીનો ગોલ્ડન ટાઈમ હોય છે. મૌજથી જીવી લેવાય આ અવસ્થા. મીસ કરો છો ને તમારી કિશોરાવસ્થાને...? હું પણ કરું છું! કાશ એ દિવસો પાછા લાવી શકતા હોત.

Comments